Monthly Archives: October 2010

તા. ૧૦-૧૦-૧૦ના રોજ મેનોપોઝલ સ્ત્રી બની બે દીકરાની માતા

Devuben & Savjibhai with Dr. Purnima Nadkarni

લગ્ન સમયે સેવેલા શમણાંઓ પછી દરેક સ્ત્રીમાં માતા બનવાની અભિલાષા જાગૃત થાય છે. આ અભિલાષાને પૂર્ણ કરવા માટે સ્ત્રી ગમે તે સમસ્યાનો સામનો કરે છે. લગ્ન કરી નવજીવન શરૂ કરનાર દરેક યુગલની આકાંક્ષા પોતાના આંગણે પગલીના પાડનાર બાળકનું આગમન થાય એવી હોય છે. પરંતુ ઘણીવાર આ સુખની પ્રાપ્તિ કેટલાક કારણોસર થઈ શક્તી નથી. આ સમયે આવા યુગલો આધુનિક વિજ્ઞાનનો અને નવી તબીબી તકનિકનો સહારો લે છે. બાળક ઉત્પન્ન કરવા માટેની એક સૌથી પ્રચલિત પધ્ધતિ “ટેસ્ટ ટ્યુબ બેબી” છે જેની મદદથી જે સ્ત્રીને સહજ રીતે ગર્ભ ધારણ ન થતો હોય તેને ગર્ભ ધારણ કરાવી શકાય છે. અને એ બીજી સ્ત્રીઓની જેમ જ બાળકને જન્મ આપી શકે છે.

કિલ્લા પારડીના નાડકર્ણી હોસ્પિટલ અને ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર અને સુરતના ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી હોસ્પિટલ અને ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટરનું નામ આજે આંતરરાષ્ટ્રીય નકશામાં અંકિત થયું છે.

ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી હોસ્પિટલ અને ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર દ્વારા માત્ર ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં ૧૫૦૦ એન્ડોસ્કોપીક સર્જરી, ૪૫૦ ઈક્સી પ્રેગ્નન્સી અને ૨૫૦ આઈ.યુ.આઈ. પ્રેગ્નન્સી તથા ૧૫ સરોગસી પ્રેગ્નન્સી પ્રાપ્ત થઈ છે.

જ્યારે  નાડકર્ણી હોસ્પિટલ અને ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર દ્વારા છેલ્લા ૧૨ વર્ષમાં ૧૫૦૦ ઈક્સી પ્રેગ્નન્સી પ્રાપ્ત થઈ છે. જેમાં ૧૫ સ્ત્રીઓને ત્રણ બાળકો, ૧૦૦ સ્ત્રીઓને જોડિયા બાળકો, ૩૫ ફ્રોઝન પ્રેગનન્સી અને ૧૦૦ મેનોપોઝલ (રજોનિવૃત્ત) સ્ત્રીઓને બાળકો અવતર્યા છે.

આ જાણીને થોડું આશ્ચર્ય થાય કે મેનોપોઝલ સ્ત્રીને બાળક કેવી રીતે થઈ શકે? કારણ કે પુરુષ કિશોરાવસ્થાથી મૃત્યુ સુધી બાળક ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. જ્યારે સ્ત્રી માસિક શરૂ થયા પછીથી માસિક જતું રહે તે પહેલાના બે વર્ષ સુધી જ માતા બનવાની ક્ષમતા ધરાવે છે. તો એ સ્ત્રી માતા કેવી રીતે બની શકે એ અંગે ડો. પૂર્ણિમા નાડકર્ણીની મુલાકાત લેતાં તેમણે જણાવ્યું હતું કે “ઓવમ ડોનેશન પધ્ધતિ” દ્વારા મેનોપોઝલ સ્ત્રીને બાળક આપી શકાય છે. આ અંગે તેમણે વિસ્તૃત માહિતી આપી હતી.

ઓવમ ડોનેશન એટલે શું?

ઓવમ ડોનેશન એટલે જે સ્ત્રીનું માસિક જતું રહ્યું હોય કે જે સ્ત્રીને માસિક અનિયમિત આવતું હોય કે જે સ્ત્રીને સ્ત્રીબીજ બનવા માટે જરૂરી અંતસ્ત્રાવો શરીરમાં યોગ્ય પ્રમાણમાં ન બનતા હોય અને એમના અંડકોષમાં કેન્સરની બિમારી હોય અને પ્રાયમરી અથવા સેકન્ડરી ઓવેરીયન ફેલ્યોર થયું હોય તેવી સ્ત્રીને ખાસ આ સારવારની જરૂર પડે છે. આવી બધી જ સ્ત્રીઓને બીજી સ્ત્રીના સ્ત્રીબીજ દાનમાં આપવામાં આવે છે.

કઈ સ્ત્રી પોતાના સ્ત્રીબીજ દાનમાં આપી શકે?

જે સ્ત્રી પોતાના સ્ત્રીબીજ દાનમાં આપવા માંગતી હોય એ જરૂરિયાતવાળી સ્ત્રીની બહેન, ભાભી, સખી હોય શકે. તેની ઉંમર નાની હોવી જોઈએ અને અંડકોષ બરાબર કામ કરતું હોવું જોઈએ.

દાન આપનાર સ્ત્રીની મુખ્ય લોહીની તપાસ અને હોર્મોનની તપાસ કરવામાં આવે છે. તેને માસિકના બીજા દિવસથી ઈન્જેકશન આપવામાં આવે છે. સોનોગ્રાફીથી સ્ત્રીબીજ બરાબર બને છે કે નહીં તે જોવામાં આવે છે. જે દિવસે લગભગ ૧૮-૨૦ મી.મી. સાઈઝનું સ્ત્રીબીજ બની જાય તે દિવસે બીજ બીજાંડમાંથી નીકળે તે માટેનું ઈન્જેકશન આપી સોનોગ્રાફી મશીન દ્વારા બીજને બહાર કાઢવામાં આવે છે. અને જરૂરિયાતવાળી સ્ત્રીને તે સ્ત્રીબીજ દાનમાં આપવામાં આવે છે. એ સ્ત્રીબીજમાં એના જ પતિના પ્રક્રિયા કરેલા શુક્રાણુંને માઈક્રોમેન્યુપલેટરથી મૂકવામાં આવે છે. સ્ત્રીબીજનું ફર્ટીલાઈઝેશન એક દિવસમાં થઈ ક્લીવેજ અને ત્યારબાદ ભ્રૃણને ૨, ૩, ૪ અથવા પાંચમા દિવસે ગર્ભાશયમાં મૂકવામાં આવે છે. જે સ્ત્રીને બીજ દાન આપવાનું હોય એ સ્ત્રીની ગર્ભાશય કોથળી એ ભ્રૃણને સ્વીકારવા માટે તૈયાર કરવામાં આવે છે. ઈસ્ટ્રોજનની દવા આપવામાં આવે છે. ગર્ભાશયની કોથળી એ ભ્રૃણને સ્વીકાર કરે એ માટે લ્યુટીઅલ ફેસ સપોર્ટ આપવામાં આવે છે. પ્રોજેસ્ટ્રોન હોર્મોન ઈન્જેકશન દ્વારા અથવા યોનિમાર્ગ દ્વારા આપવામાં આવે છે.

દહીંસરના રહેવાસી આવા જ એક ૪૬ વર્ષના દેવુબેન સવજીભાઈ પ્રજાપતિના લગ્નને ૨૫ વર્ષ થયા હતા. આ ૨૫ વર્ષમાં એમને બાળક ન્હોતું થયું. દેવુબેનના પતિ સવજીભાઈ ઈંટનો વ્યવસાય કરતા હતા. નિ:સંતાનપણાનું મહેણું ટાળવા તેઓ મુંબઈના બધા જ પ્રખ્યાત ડોક્ટરોને બતાવી ચૂક્યા હતા. એક દિવસ એમની મુલાકાત બોરીવલીના કાર્ટર રોડ સ્થિત ડો. શાહ સાથે થઈ. ડો. શાહે સવજીભાઈને જણાવ્યું કે મુંબઈથી અમદાવાદ સુધીમાં વંધ્યત્વના કોઈ નિષ્ણાત હોય તો તે ડો. નાડકર્ણી છે. તમે હવે વધુ સમય બરબાદ ન કરતાં કિલ્લા પારડીમાં ડો. પૂર્ણિમા નાડકર્ણીને મળો. દેવુબેન અને સવજીભાઈ કિલ્લા પારડી સ્થિત નાડકર્ણી હોસ્પિટલ અને ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટરમાં ડો. નાડકર્ણીને મળ્યા. ડો. નાડકર્ણીએ તેમના સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન કર્યા. દેવુબેન મેનોપોઝલ હોવાના કારણે સૌ પ્રથમ ગર્ભાશયની કોથળી તૈયાર કરવામાં આવી. અને બાળક પકડી શકે એ માટે સક્ષમ બનાવવામાં આવી. મેનોપોઝલ થઈ જવાના કારણે દેવુબેનના અંડકોષ કામ કરતા ન્હોતા. માટે તેઓ ઓવમ ડોનેશન પદ્ધતિથી જ બાળક મેળવી શકે એમ હતા. આ પદ્ધતિ કરવા પહેલા ગર્ભાશયની અંદરના પડદાને કાઢી નાંખવામાં આવ્યો. અને ત્યારબાદ આ ઓવમ ડોનેશન પદ્ધતિ એમના પર ૬ વખત કરવામાં આવી. પણ સફળતા પ્રાપ્ત ન થઈ. ત્યારે ડો. નાડકર્ણીએ જણાવ્યું કે તમને હવે સરોગસીથી જ બાળક પ્રાપ્ત થઈ શકે એમ છે. પરંતુ દેવુબેન અને સવજીભાઈને ડો. નાડકર્ણી પર એટલો વિશ્વાસ હતો કે તેમણે કહ્યું કે હવે છેલ્લી વખત પ્રયાસ કરી લઈએ. ત્યારે ડો. નાડકર્ણીએ કહ્યું કે તમને એમ્બ્રીઓ ડોનેશન દ્વારા બાળક થવાની શક્યતા વધારે છે કારણ કે સવજીભાઈના રંગસૂત્રમાં ખામી બતાવે છે. (Karyotype: 46,XY,9qh+). એટલે આખરે તમને એમ્બ્રીઓ ડોનેશન પદ્ધતિ જ સૂચિત કરું છું. એમ્બ્રીઓ ડોનેશનથી દેવુબેનને ટ્રીપલેટ પ્રેગ્નન્સી આવી. એમ્બ્રીઓ રીડક્શન દ્વારા જોડિયા બાળકો રાખવામાં આવ્યા. દેવુબેનને લ્યુપસ એંટીકોયાગ્યુલંટ પોઝીટીવ હતું. (LA+ve). જેના માટે તેમને ઈંજેક્શન હીપેરીન આપવામાં આવ્યું. સફળતાપૂર્વક ૯ મહિના પસાર કરાવવામાં આવ્યા. તા. ૧૦/૧૦/૧૦ના રોજ રાત્રે ૧૦ વાગ્યાને ૧૦ મિનીટે દેવુબેને બે સુંદર દીકરાઓને જન્મ આપ્યો. ૧૦/૧૦/૧૦ના અનોખા સંગમમાં મળેલા બેવડા ઉપહાર અંગે પ્રજાપતિ દંપતિએ અતિશય પ્રસન્નતાની લાગણી વ્યક્ત કરી હતી. સવજીભાઈને તો આ એક પોતાના જીવનમાં બનેલ સુખદ ચમત્કાર જેવો લાગતો હતો. જેનો પૂરેપૂરો શ્રેય તેમણે ડો. પૂર્ણિમા નાડકર્ણી તથા તેમની ટીમને આપ્યો.